ડોંગરેજી મહારાજ નું જીવન-બુક

આ બુક ફ્રી ડાઉનલોડ થઇ શકશે અને -amazon.com  પર પબ્લીશ થયેલી છે.જોવા અહી ક્લિક કરો

૧૯૪૮ની સાલ.

વડોદરામાં લક્ષ્મણ મહારાજના જંબુબેટ મઠમાં એક કથાકારે જીવનની પહેલી કથા કરી.

શ્રીકૃષ્ણ કથા પરનું તેમનું વક્તવ્ય શ્રોતાઓને ઝંકૃત કરી ગયું.
કથાકારનું નામ રામચંદ્ર કેશવ ડોંગરે.
માતાનું નામ કમલાતાઈ. પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે.

અહલ્યાબાઈ હોલકરની પુણ્યનગરી ઈન્દૌરમાં ફાગણ સુદ ત્રીજ ને તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ મોસાળમાં જન્મેલા રામચંદ્ર કેશવ ડોંગરેના પિતા સ્વયં વેદશાસ્ત્રના પંડિત હતા.

પિતા જ પ્રથમ ગુરુ. વેદ-પુરાણ, ન્યાય, તર્ક, દર્શન ઈત્યાદિનો અભ્યાસ તેમણે વારાણસીમાં કર્યો. અમદાવાદના સંન્યાસ આશ્રમમાં અને પૂનામાં સંસ્કૃતનો અભ્યાસ કર્યો.

વારાણસીમાં પવિત્ર ગંગાતટે શાસ્ત્રાભ્યાસ દરમિયાન જ મનમાં વૈરાગ્ય પેદા થયો.
આમ છતાં માતાના આગ્રહથી શાલિનીબાઈ સાથે વિવાહ કર્યા.
૨૪ વર્ષના પ્રસન્ન દાંપત્ય બાદ પત્નીએ અલગ નિવાસ કર્યો.

વારાણસીમાં જ શ્રી નરસિંહ મહારાજે તેમને શ્રીમદ્ ભાગવતનું અમૃતપાન કરાવવાની દીક્ષા-પ્રેરણા આપી. એ કથાકાર ડોંગરેજી મહારાજના નામે આખા દેશમાં પ્રચલિત થયા. ભારતભરમાં તેમણે ૧૧૦૦થી વધુ ભાગવત કથાઓ કરી, પરંતુ કથામાંથી પ્રાપ્ત થતું ધન એમણે કદી સ્વીકાર્યું નહીં. જે ભંડોળ આવ્યું તે ગૌશાળા, મહાવિદ્યાલય, હોસ્પિટલ, અન્નક્ષેત્ર, મંદિરોનો જીર્ણોદ્ધાર, અનાથાશ્રમ અને કુદરતી સંકટો વખતે આફતમાં સપડાયેલા લોકો માટે વપરાયું.

પૂજ્ય ડોંગરેજી મહારાજ અંતર્મુખી સંત હતા. કથા કરતી વખતે હંમેશાં આંખો નીચી જ રાખતા. સ્વયં સાદગીપૂર્ણ જીવન જીવ્યા. કથાઓ આનંદ કે મનોરંજન માટે નથી એમ કહી સૌને સાવધાન કરતા. તેમની કથામાં આત્મબળ, શાસ્ત્રજ્ઞાાન અને અનુભવનો રણકો રહેતો. તેઓ જે કહે તેનું પહેલાં આચરણ કરતા, પછી જ ઉપદેશ આપતા. જિંદગીભર પોતે કોઇનાય ગુરુ થયા નહીં. સદા ઈશ્વરને જ ગુરુ કહેતા. તેમની કથાથી એકત્ર થયેલા ભંડોળમાંથી મંદિરનું નિર્માણ થાય તોપણ પોતાના હાથે મૂર્તિપ્રતિષ્ઠા થવા દેતા નહી. મૂર્તિપ્રતિષ્ઠા પછી નિત્ય દેવપૂજા ન થાય, ભગવાનને થાળ ન ધરાવાય, મંદિરમાં પૂજારીની વ્યવસ્થા ન થાય તો મૂર્તિપ્રતિષ્ઠા કરનારને પાપ લાગે તેમ તેઓ કહેતાં.

પૂજ્ય ડોંગરેજી મહારાજની જીવનશૈલી સરળ હતી. સદા જપ કરે, મૌન રહે, ખપપૂરતું જ બોલે. એમનાં કે એમની કથાનાં કોઈ વખાણ કરે તો તેમને ગમતું નહીં. તેઓ કહેતાં, સિદ્ધિ-પ્રસિદ્ધિ પતન છે. 
તેઓ કહેતાં: ભગવાને જ વિના કારણે મારી યોગ્યતા કરતાં વધુ માન મને આપ્યું હોઈ હવે માન-સન્માનમાં ફસાવું નથી. એમ કહી તેઓ પોતાનું બહુમાન થવા જ દેતા નહીં. તીર્થયાત્રા વખતે નિયમ પ્રમાણે વ્રત-ઉપવાસ અને દેવપૂજા કરતા. કથાના આગલા દિવસે સ્થળ પર પહોંચી જતા. કથા એક જ પક્ષમાં પૂરી થાય તે રીતે કરતા. કથા માટે એક યજમાન જ તેમને લઈ આવે અને મૂકી આવે તેવી વ્યવસ્થા ગોઠવતા. પોતાની સાથે એક જ અનુકૂળ બ્રાહ્મણ રાખતા.

પોતાના નામની કે ફોટાની પ્રસિદ્ધિ થવા દેતા નહીં. પોતાની કથાઓથી એકઠી થયેલી ધનરાશિમાંથી દાન કરવા છતાં પોતાનું નામ ક્યાંય આવવા દેતા નહીં. દાન-સખાવત, ટ્રસ્ટ એવું કોઈ માળખું તેમણે ઊભું કર્યું નહીં, યાદી પણ કરી નહીં. બધું જ પરમાત્માએ કર્યું અને પરમાત્મા જ કરાવે છે એવી ભાવનાથી કર્યું. સાદું સંતજીવન જીવ્યા. ઇચ્છાઓ ઊઠવા જ દીધી નહીં. સંકલ્પો કર્યા જ નહીં, કોઈ સ્પૃહા રાખી જ નહીં. દેહ, ત્રેહ, પત્ની, પરિવારની આસક્તિ પણ ન રાખી. કોઈ વિશેષ સ્થળ પસંદ કરી ત્યાં જ રહેવું એવું તેમને પસંદ નહોતું. પોતે પુજાય અને તેમનો પ્રચાર થાય તેવું તેમણે કદીયે ઇચ્છયું નહીં.

બહોળો શિષ્યસમુદાય હોવા છતાં તેઓ સ્વયંપાકી રહ્યાં. પોતાની રસોઈ પોતે જ બનાવી લેતા અને તે પણ ખીચડી કે બીજું સાદું ભોજન. ભોજનમાં પણ બે જ વસ્તુ લેતા. પોતાનું કાર્ય જાતે જ કરી લેતા. તબિયત સારી ન હોય તોપણ કોઈ તેમનું માથું દબાવે કે પગ દબાવે તેવું થવા દેતા નહીં. સીવ્યાં વગરનાં બે વસ્ત્રો-ધોતી, ઉપવસ્ત્ર, ટૂંકાં વસ્ત્રો-લંગોટી આથી વધુ વસ્ત્રો રાખતા નહીં. સંગ્રહથી દૂર હતા. વસ્ત્ર જીર્ણ થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ કરતા. જીવનભર કથા કરવા કે તીર્થયાત્રા કરતાં ભ્રમણ કરતા રહ્યાં, પરંતુ પોતાનું કોઈ કાયમી સરનામું રાખ્યું નહી. કોઈનીયે સાથે પત્રવ્યવહાર કર્યો નહીં. પત્રવાંચનથી પણ દૂર રહ્યા. તેઓ જ્યાં પણ કથા કરે ત્યાં તેમની કથાના વિસ્તૃત અહેવાલો સ્થાનિક અખબારોમાં પ્રગટ થતા, પરંતુ સ્વયં અખબારવાંચનથી દૂર રહ્યા. એકમાત્ર 'કલ્યાણ'ના અંકો તેઓ વાંચતા. વ્યક્તિગત વખાણથી દૂર રહ્યા. વખાણવા યોગ્ય તો ભગવાન જ છે તેમ તેઓ કહેતાં. કોઈનેય સહી કે હસ્તાક્ષર ભાગ્યે જ આપતા.

કથા કરતી વખતે કોઈ તસવીરકાર તેમને વ્યવસ્થિત થવા કે સામે જોવાનું કહે તો તેમ થવા દેતા નહી. વ્યાસપીઠ પર બેઠા પછી કોઈ તસવીરકારને જોતાં જ તેઓ નીચું જોઈ જતા. ચાલુ કથાએ કોઈ તસવીરકારને ફરકવા દેતા નહીં, ટેપ કે વીડિયોગ્રાફી પણ થવા દેતા નહીં. કોઈ તેમની મુલાકાત લે, તેમની સાથે પ્રશ્નોત્તરી કરે, જીવનની વિગતો પૂછે, કોઈ નોંધ કરતું હોય તો તેઓ સાવધાન થઈ જતા. વાત બંધ કરી દેતા. તે વાત અખબારમાં ન આપવા કહેતા. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વિષય પર તેમનો અભિપ્રાય પૂછે તો તેઓ તેનાથી દૂર થઈ જતા. પોતાનાં વખાણ થવા દે નહીં અને અન્યનાં વખાણ પોતે કરતા નહીં. કોઈનો સેવાભાવ કે ભક્તિભાવ કે કર્મઠતા જુએ તો તેના વિશેે સારા શબ્દો વાપરે પણ કોઇની પ્રશંસા કરવાથી પોતાના પર અને બીજા પર માઠી અસર થાય છે તેમ તેઓ માનતા. કોઈનોય વિશેષ પરિચય કરાવતા નહીં અને કોઈનેય વિશેષ સગવડ આપવાની ભલામણ કરતા નહીં.

દિવસે આરામ નહીં. પ્રાતઃકાળથી સાયંકાળ સુધીનો નિત્યક્રમ-ત્રિકાલ સંધ્યા પડે નહીં. તેનો ખ્યાલ રાખતા. ઘરનાં દ્વાર સદા ખુલ્લાં રાખતા. કઠોર દિનચર્યાવાળું જીવન જીવ્યા. પ્રભુની સન્મુખ રહેવામાં દિવસ પસાર કરતા. ખુલ્લી કિતાબ જેવું જીવન જીવ્યા. ખૂબ પુજાયા અને અત્યંત લોકપ્રિય થયા, પરંતુ તેમની વિનમ્રતા અદ્વિતીય રહી. કંચન અને કામિનીથી જીવનભર દૂર રહ્યાં. વિદેશપ્રવાસ પણ તેમને શાસ્ત્ર-ધર્મ વિરુદ્ધ લાગતો. એક વાર બનારસના સંપૂર્ણાનંદ વિશ્વવિદ્યાલય, ગુજરાત યુનિર્વિસટી, સરદાર પટેલ યુનિર્વિસટીના કુલપતિઓ અને સંતો-વિદ્વાનોની વચ્ચે તેમને મહામહોપાધ્યાયની ઉપાધિ આપવામાં આવી ત્યારે તે વખતે તેઓ સંસ્કૃતમાં પ્રતિભાવ આપવાના હતા અને પોતાની અલ્પતા-વિનમ્રતા વ્યક્ત કરવાના હતા, પરંતુ સન્માનથી સંકોચ અનુભવતા લાખો શ્રોતાઓ વચ્ચે માત્ર ગદ્ગદિત જ બન્યા, બોલ્યા જ નહીં. એ જ એમની સાચી વિનમ્રતા હતી. એ જ એમનો સાચુકલો સંકોચ હતો. પૂજ્ય ડોંગરેજી મહારાજની વાણી પણ અમૃતમય હતી. તેઓ કહેતાં: "શ્રીકૃષ્ણનાં દર્શન કરવાથી માનવજન્મ સફળ થાય છે. પરમાત્માએ માનવીને જ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે માનવી તેનો સદુપયોગ કરે, ભગવાન માટે કરે તો મૃત્યુ પહેલાં એને પરમાત્માનાં દર્શન થાય છે. ઘણાં લોકો બુદ્ધિનો ઉપયોગ પૈસા માટે અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. તેથી અંતકાળમાં તે બહુ જ પસ્તાય છે. શક્તિ અને બુદ્ધિ પરમાત્મા માટે છે. આ દુર્લભ માનવશરીર પામીને પરમાત્માનાં દર્શન માટે જે પ્રયત્ન કરતો નથી તે જીવ પોતાની જ હિંસા કરે છે. આવા માણસને ઋષિઓએ આત્મહત્યારો કહ્યો છે."

તેઓ કહે છેઃ "માનવી સિવાય કોઈનેય ભગવાનનાં દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવોને પણ ભગવાનનાં દર્શન થતાં નથી. સ્વર્ગમાં રહેલા દેવો અતિ સુખી છે, પણ તેમના સુખનો પણ અંત આવે છે. સંસારનો નિયમ છે કે જ્યાં સુખ છે ત્યાં દુઃખ ભોગવવું જ પડે છે. સ્વર્ગના દેવો આપણા કરતાં વધુ સુખ ભોગવતા હોવા છતાં તેમને શાંતિ નથી. શાંતિ તો પરમાત્માનાં દર્શનથી જ પ્રાપ્ત થાય છે. તેથી દેવો પણ એવી ઇચ્છા રાખે છે કે એમને ભારતવર્ષમાં જન્મ મળે. ભારત એ ભક્તિની ભૂમિ છે. સ્વર્ગમાં નર્મદાજી નથી. સ્વર્ગમાં ગંગાજી નથી. સ્વર્ગમાં સાધુ-સંન્યાસી નથી. સ્વર્ગમાં બધા ભોગી જીવો જ છે. સ્વર્ગ એ ભોગભૂમિ છે. જેણે બહુ પુણ્ય કર્યું હોય તે સુખ ભોગવવા સ્વર્ગમાં જાય છે, પરંતુ સ્વર્ગ કરતાં ભારતની ભૂમિ વધુ શ્રેષ્ઠ છે, કારણ કે દેવો ભક્તિ કરી શકતા નથી. ભક્તિ કરવા માટે માનવદેહ જોઇએ. પાપ છોડીને માનવી ભક્તિ કરે તો મૃત્યુ પહેલાં ભગવાનનાં દર્શન થાય છે. આજે ઘણાં લોકો કહે છે કે, "હું મંદિરમાં જઈ ત્રણ વાર દર્શન કરું છું." પણ ભગવાન કહે છેઃ "વત્સ! તું મંદિરમાં જઈ ત્રણ વાર મારાં દર્શન કરે છે, પરંતુ તને ખબર નથી કે હું ચોવીસે કલાક તારાં દર્શન કરું છું." ભગવાન આખો દિવસ સર્વેને જુએ છે."

તેઓ કહે છેઃ "તમે કોઈનું અપમાન કરશો તો જગતમાં તમારું અપમાન થશે. તમે કોઈની સાથે કપટ કરશો તો તમને છેતરનાર જગતમાં પેદા થશે. આ સંસાર કર્મભૂમિ છે. જેવાં કર્મ કરશો તેવાં ફળ મળશે. આજથી એવો નિશ્ચય કરોઃ આ જગતમાં મારું કોઈએ બગાડયું નથી. કોઈએ પણ મને દુઃખ આપ્યું નથી. મારા દુઃખનું કારણ મારું પાપ છે. તમારો શત્રુ જગતમાં નથી. તમારો શત્રુ તમારા મનમાં છુપાયેલો છે. મનમાં રહેલો કામ એ જ તમારો શત્રુ છે. બહારના એક શત્રુને મારશો તો બીજા દસ ઊભા થશે. તમારી અંદર રહેલા શત્રુને મારશો જગતમાં તમારો કોઈ શત્રુ રહેશે નહીં."

આવું અદ્વિતીય જ્ઞાાન બક્ષનારા પૂજ્ય ડોંગરેજી મહારાજ તા. ૮-૧૦-૧૯૯૦ના રોજ બ્રહ્મલીન થયા. એ જ દિવસે માલસર ખાતે નર્મદાજીના પ્રવાહમાં સાંજે તેમને જળસમાધિ આપવામાં આવી. આજે માનવદેહ રૂપે આપણી સમક્ષ પૂજ્ય ડોંગરેજી મહારાજ હયાત નથી, પરંતુ જેમણે તેમને સદેહ જોયા છે અને સાંભળ્યા છે એ તમામને તેમનો કૃષ્ણપ્રેમ, જનશક્તિનું બ્રહ્મતેજ અને તેમના તેજસ્વી લલાટનું સ્મરણ છે, જાણે કે પૃથ્વી પર સાક્ષાત્ સૂર્યનારાયણ ઊતરી આવ્યા ન હોય!

સૌજન્ય-ઋણ સ્વીકાર
www.devendrapatel.in

With Best Regards-& Sent from-Mehul Dave-9428739911-M

.............................................................................................................................
.............................................................................................................................


મૂળ મહારાષ્‍ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામના સંસ્કૃતના પ્રખર વિદ્વાન રામચંદ્ર ડોંગરેજી શાસ્ત્રી ગાયકવાડ સરકારના આગ્રહથી વડોદરામાં સ્થાયી થયા હતા. ડોંગરેજી મહારાજ તેમની ચોથી પેઢીએ થાય. તેમનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દોરમાં ફાગણ સુદ-૩ને સોમવાર તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ તેમના મામાને ત્યાં પિતા કેશવ ગણેશ ડોંગરેના પરિવારમાં માતા કમલાવતીની કૂખે થયો હતો. ડોંગરેજીને એક ભાઈ પ્રભાકર અને એક બહેન સુશીલાબહેન હતાં. ધોરણ-૫ સુધીનો અભ્યાસ વડોદરામાં કર્યો અને ૮ વર્ષે ઉપનયન સંસ્કાર અપાયા હતા. તેમનું ગુપ્‍તનામ જ્ઞાનેશ્વર હતું. ત્યાર બાદ તેમણે અમદાવાદ સંન્યાસ આશ્રમ, વારાણસી અને પુણે ખાતે વેદ, દર્શન, ઉપનિષદો વગેરેના ગહન વિદ્યાભ્યાસ કર્યો અને જ્ઞાનવેદાંતની બનારસમાં ઉપાધિ પ્રાપ્‍ત કરી. બનારસમાં અભ્યાસ કરતાં વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કથી ભાગવત કથા સાંભળીને કથા કરવાની ઈચ્છા જાગી અને ૧૯૪૯માં વડોદરામાં પહેલી મરાઠી ભાષામાં કથા કરી. અનિચ્છા છતાં ૧૯૪૯માં તેમના લગ્ન પેટલાદના પરશુરામ નાતુની પુત્રી શાલિનીદેવી સાથે થયાં. ૨૪ વર્ષના દામ્પત્યજીવનમા; બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા તેમણે સુપેરે પાળી અને ૧૯૮૦માં તેમનાં પત્નીએ વિદાય લીધી. સાસરીમાં સીતાદેવીના નામે જાણીતા શાલિની વીણા સારી વગાડતાં અને બાળકૃષ્‍ણનાં પદો ગાતાં. સાથી ભક્તો તેમને સંત સખુબાઈ કહેતા હતા.

નર્મદા-રેવાતટે વડોદરાથી ૬૦ કિ.મી.માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિરમાં ૩૦ વર્ષની વયે તેમણે પ્રથમ ગુજરાતી કથા કરી અને સ્વર્ગીય માધવદાસજી મહારાજને મનોમન ગુરુ તરીકે સ્વીકાર્યા. ત્યારથી ડોંગરેજી જીવ્યા ત્યાં સુધી દર વર્ષે વ્યસ્તતાની વચ્ચે પણ પોષ વદ ૪ થી ૧૧ સુધી ૩૩ જેટલી કથા માલસરમાં કરીને એક વિક્રમ સર્જ્યો. યોગાનુયોગ તેમની આગાહી મુજબ તેમની છેલ્લી ભાગવત કથા પણ ૧૯૯૦માં માલસરમાં જ યોજાઈ અને કારતક વદ–બીજના રોજ દીક્ષા ગ્રહણ કર્યા પછી કારતક વદ-૬ના રોજ સવારે ૯.૩૭ મિનિટે તેઓ બ્રહ્મલીન થયા અને પવિત્ર રેવાના નીરમાં સાંજે ૫.૨૫ મિનિટે તેમની ઇચ્છાનુસાર જળસમાધિ અપાઈ હતી.

ગુજરાતના ઉંબરે-ઉંબરે ભાગવત પહોંચાડનાર ડોંગરેજીને પુરીના શંકરાચાર્ય ભાગવત કાનન પંચાનન અને વારાણસી સંસ્કૃત વિદ્યાલયે મહામહોપાધ્યાય તથા ભાગવત સાગર જેવાં પ્રતિષ્ઠિત અને ગૌરવપ્રદ સન્માનોથી સન્માનિત કર્યા હતા.

ભલે આજે તેમનો નશ્વરદેહ આપણી વચ્ચે ન હોય પણ ભાગવત કથારૂપે તેમનો વિશાળ ભાગવત ભક્તિ વિચારદેહ જનમાનસ પર અંકિત છે.
........................................................................................
........................................................................................
ડોંગરેજી મહારાજને આધુનિક -શુકદેવજી- કહેવામાં આવે છે.
તેમનું જીવન શુકદેવજીની જેમ નિસ્વાર્થ હતું.

કયારેય પણ કથાની દક્ષિણા નક્કી કરવાની નહીં, કોઇનો પૈસો લેવાનો નહીં, કોઇ બેંકમાં ખાતું નહીં અને કોઈ ટ્રસ્ટ બનાવ્યું નહીં.

ઇંદોરની પાવનભૂમિ ઉપર જેમનો જન્મ થયો તથા વડોદરામાં મોટા થયા.
તેમની માતાનું નામ ‘કમલાતાઇ’તથા પિતાજીનું નામ ‘કેશવભાઇ ડોંગરે’હતું.

ડોંગરેજી મહારાજે અમદાવાદના સંન્યાસ આશ્રમ તથા કાશીમાં અભ્યાસ કરીને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય કર્યો.

ત્યાર બાદ સૌપ્રથમ ભાગવત કથા સરયૂ મંદિર અમદાવાદમાં કરી.
બસ ત્યાર બાદ કથાનો અવિરત પ્રવાહ ચાલુ થયો.

તેત્રીસ વર્ષ સુધી માલસરમાં નર્મદાકિનારે સત્યનારાયણ મંદિરમાં તેમની કથા એકધારી ચાલી.
દર વર્ષે આજે પણ તેમની પુણ્યતિથિએ કથા થાય છે. આજે પણ કથા માટે બનાવેલો ઓટલો મોજૂદ છે.

મહારાજ ની કથાથી અનેક ટ્રસ્ટો કાર્યરત બન્યાં છે.
જલારામ બાપાની જેમ બાપુજીની કથાથી તથા પ્રેરણાથી અનેક ‘સદાવ્રતો’ ચાલુ થયાં, આજે પણ ચાલે છે. 

સદ્વિચાર પરિવાર માટે પણ બાપજીએ દસેક કથાઓ કરી હતી.
આજે પણ આ ટ્રસ્ટ બાપજીની સ્મૃતિમાં અનેક ગરીબોની સેવા કરે છે. દવાખાનાં વગેરે ચલાવે છે. શિક્ષણકાર્યોકરે છે.

મહારાજ શ્રી ખૂબ જ સરળ હૃદયના હતા. તેમની વાતોમાં કે વર્તનમાં કોઇ પણ પ્રકારનું કપટ જૉવા મળતું નહીં.
સરળ વાણી, સાદો ખોરાક, સાદો પોષાક. ભાગવતજીમાં શુકદેવજી માટે ‘ગામટમાન’ શબ્દનો ઉપયોગ કર્યો છે.

મહારાજ શ્રી પણ ગામટમાન હતા. કોઇ એક સ્થળે રહેવું નહીં તેવો નિયમ હતો.
તેઓ કહેતાં, કેટલીક વાર સ્થળની માયા પણ છૂટતી નથી. પોતાની પાસે પૈસા કે દાગીના રાખવાના નહીં.

તેઓ કહેતા, માયા તો માણસને મારે છે. માયા ભકિતમાર્ગમાં અવરોધ કરે છે માટે તેઓ માયાથી દૂર રહેતા.

લગ્ન કર્યા પરંતુ ભકિતમાર્ગમાં અવરોધ લાગતાં પત્નીથી દૂર રહેવા લાગ્યા.
ભાગવતજીમાં શુકદેવજી માટે ‘અવધૂતવેષ:’ શબ્દ વાપર્યોછે.
બાપજી પણ ઢીંચણ સુધીની પોતડી તથા ખેસ ઓઢતા. પગમાં પાદુકાઓ પણ પહેરતાં નહીં. હાથમાં ઘડિયાળ કે વીંટી પણ કયારેય જૉવા મળી નથી.
ખોરાકમાં પણ મગ અને બાજરીનો રોટલો, દૂધ વગેરે લેતા.
તેઓ કહેતાં, ખાવાનું શરીરને ટકાવી રાખવા માટે છે. જીભને આનંદ કરાવવા માટે નહીં. જીભ તો હરિકીર્તન કરવા માટે છે.

કથા કરવા જાય ત્યારે તેમને જે ઉતારો આપવામાં આવ્યો હોય તે છોડીને બહાર જવું નહીં. કથા પતે એટલે પોતાના ઉતારે આવી માળા કરવા બેસી જાય.
છાપું વાંચવું નહીં, રેડિયો, ટી.વી. જૉવા નહીં.

તેઓ કહેતાં, આ મન બાળક જેવું છે. ભૌતિકતાના રવાડે ચડશે તો બાળક જેમ ભણવાનું છોડી દે તેવી રીતે આ મન ભકિતમાર્ગમાંથી ચલિત બની જશે.
કોઇને ચરણસ્પર્શ કરવા દેતા નહીં.
તેઓ કહેતાં તમે જેવા વ્યકિતનો સ્પર્શ કરશો તેવા વિચારો બનશે, જેવું અન્ન ખાશો તેવું મન બનશે, જેવા વિચારો કરશો તેવું જીવન બનશે
માટે બને તો પોતાના હાથે રસોઇ બનાવતા અથવા તેમનો એક વૃદ્ધ સંન્યાસી સેવક રસોઇ બનાવતો.
કોઇને કંઠી બાંધવાની નહીં.

તેઓ કહેતાં, શિષ્ય પાપ કરે તો તેની સજા ગુરુને મળે છે. લોભી ગુરુ ઔર લાલચી ચેલા દોનોં કા નરકમેં ઠેલમ્ઠેલા.
આ રીતે જીવનભર કોઇને શિષ્ય બનાવ્યો નહીં. કયારેય ગુરુપદ સ્વીકાર્યું નથી.
મહારાજ શ્રી બ્રાહ્મણપ્રેમી હતા તથા સંતરામ મંદિર તથા માલસર મંદિરમાં રોકાઇને ભકિત કરતાં.

સંતરામગાદી તરફ ખૂબ જ આદરભાવ રાખતા. બાપુજીનું મૃત્યુ પણ સંતરામ મંદિરમાં થયું હતું
તેમના પાર્થિવ દેહને તેમના કહેવા પ્રમાણે નર્મદાજળમાં વિસર્જિત કરવામાં આવ્યો હતો.
જીવ્યા ત્યારે પણ સમાજની, ગરીબોની સેવા કરી અને
મૃત્યુ બાદ પણ પોતાનું પંચભૌતિક શરીર નર્મદાજળના જીવોને અર્પણ કર્યું.
................................................................................................
.................................................................................................
ગુજરાતની પ્રજાને કથામૃતનું પાન કરાવનાર રામચંદ્ર કેશવદેવ ડોંગરેનો જન્મ 15/2/1926 એટલે કે સંવંત 1982 ના ફાગણ સુદ ત્રીજના રોજ વડોદરામાં થયો હતો.માત્ર આઠ વર્ષની ઉંમરે અભ્યાસાર્થે પંઢરપુર મોકલવાની દાદાજીની ઇચ્છાને શિરોમાન્ય રાખી પોતે ત્યાં ગયાં.ભારપૂર્વક ગુરૂ પાસે સતત સાત વર્ષ અધ્યયનરૂપે પુરાણો,વેદો અને વેદાંતોનો ગહન અભ્યાસ કર્યો.આવા તપરૂપ અધ્યયનના પરિણામે તેમના જીવનમાં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો.વધુ અભ્યાસાર્થે તેઓ કાશી ગયા. અધ્યયન બાદ કથા કહેવાનું શરૂ કરતા સૌ પ્રથમ તેમની ભાગવત કથા પૂનામાં થઇ.કથામાં આવતી ધનરાશી તેમણે મંદિરો-હોસ્પિટલોના નિર્માણ,જિર્ણોદ્ધારમાં અર્પણ કરી.માત્ર કથાકાર જ નહીં,પરંતુ ભાગવતના વાસ્તવિક દ્દષ્ટા અને વકતા બની તેમણે કરેલી આ કથામાં જાણે ખુદ ભગવાનની જ વાણી ઊતરી હોય તેમ કથા મધુર અને પ્રેરક બની. ઓછા કટાક્ષ, અર્થસભર ટૂંકા દ્દષ્ટાંત અને શ્રોતાઓને ધર્મભાથુ ભરી દેવાનો ઇરાદો તેમની કથાના મુખ્ય હેતુ હતા.શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી એની શૈલીમાં વિદ્વતા અને ભાષાપ્રભાવ અદભુત હતો.ભાગવતની જેમ રામાયણમાં પણ તેઓ શ્રોતાઓને રસતરબોળ કરી દેતા.ગુજરાતમાં તેઓ ‘કળિયુગના શુકદેવ’તરીકે ઓળખાવા લાગ્યા. તેમની ચિરવિદાયથી ગુજરાતની જનતાએ ગૌરવશીલ અને ઉત્તમ કથાકાર ગુમાવ્યા છે.

સૌજન્ય-ઋણ સ્વીકાર-શ્રી એલ.વી.જોષી
...........................................................................................
...........................................................................................
૧૯૯૦માં ભાદરવામાં શુકતાલ કે જ્યાં શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી ત્યાં કથા સમયે તેમણે કહ્યું હતું, 'આ જિંદગીની અંતિમ કથા છે’ અને કારતક વદ-૬ના દિવસે તેમણે વિદાય લીધી. શુકતાલની તેમની અંતિમ કથા બની રહી.માલસર ખાતે ૧૯૭૭માં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસેના ભોંયરામાં તેઓ ધ્યાન ધરતા. અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ૩૦ વર્ષની વયે ડોંગરેજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી.

ભાગવત કથાકાર શિરોમણિ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ ગુર્જર ધરાના અનોખા સંત અને અનન્ય કૃષ્ણભક્ત હતા. પોતાની ભાગવત કથાને સાર્વજનિક સ્થળે અને સાર્વજનિક હેતુ માટે કરવાનું શ્રેય તેમને જાય છે. ભાગવતની ભાગીરથીને તેમણે ઘરના ઉંબરે-ઉંબરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. 'લાલો’ કહીને કૃષ્ણપ્રેમ નિતારતા ત્યારે નાભિના ઊંડાણમાંથી તેમનો અનન્ય ભક્તિભાવ પ્રગટ થતો હતો.ગાયકવૃંદ કે સંગીત વિનાની તેમની સીધીસાદી નિર્ભેળ કથામાં જાતે ધૂન કે ભજન બોલે અને લાખો લોકો તે ઝીલતા હતા. ૧૧૦૦ જેટલી કથા કરનાર ડોંગરેજી કદી વિદેશમાં કથા કરવા ગયા નહોતા તે તેમના અધ્યાત્મમાર્ગની વિશિષ્ટતા હતી.

૧૯૯૦માં ભાદરવામાં શુકતાલ કે જ્યાં શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી ત્યાં કથા સમયે તેમણે કહ્યું હતું, 'આ જિંદગીની અંતિમ કથા છે’ અને કારતક વદ-૬ના દિવસે તેમણે વિદાય લીધી. શુકતાલની તેમની અંતિમ કથા બની રહી. ૧૯૪૯માં તેમણે વડોદરામાં સૌપ્રથમ મરાઠી ભાષામાં કથા કરી. જિંદગીની ૧૧૦૦ કથાઓમાંથી ૩૩ કથાઓ તેમણે વડોદરાથી ૬૦ કિ.મી. દૂર ડભોઇ પાસે આવેલા માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિર ખાતે નર્મદા તટે કરી હતી.

માલસર ખાતે ૧૯૭૭માં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસેના ભોંયરામાં તેઓ ધ્યાન ધરતા. અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ૩૦ વર્ષની વયે ડોંગરેજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી. મંદિરના સ્થાપક માધવદાસજી મહારાજને તેમણે ગુરુ તરીકે મનોમન સ્વીકાર્યા હતા અને તેમની પ્રતિમા સમક્ષ દર વર્ષે પોષ માસમાં ત્યાં ભાગવત કથા કરતા હતા. આ સ્થળે તેમનાં અંતેવાસી સંધ્યાબહેન ઠાકર પણ તેમની પેઠે કથા કરતાં રહે છે. આ વર્ષે ભાગવત કથાકાર રમેશ ઓઝાની ભાગવત કથા તા. ૧૩-૧૧-૧૧થી શરૂ થઇ છે, જેની ૨૦-૧૧-૧૧ના રોજ પૂર્ણાહુતિ થશે.

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામનો તેમનો પરિવાર ચાર પેઢીથી વડોદરામાં સ્થાયી થયો હતો. ડોંગરેજીનો જન્મ તેમના મોસાળ ઇન્દોર ખાતે મામાને ત્યાં ૧પ-૨-૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાદેવી હતું. ડોંગરેજીએ પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યો હતો અને ૮ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સમયે તેમનું ગુપ્ત નામ જ્ઞાનેશ્વર રખાયું હતું.

૧૯૩૯માં અમદાવાદના સંન્યાસ આશ્રમમાં વેદાંતનું શિક્ષણ પ્રાપ્ત કરીને પંઢરપુર ખાતે પુરાણ અને સંસ્કૃતનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિ‌ટીમાંથી વેદાંતશાસ્ત્રની પરીક્ષામાં ઉત્ર્તીણ થયા હતા. બનારસમાં તેઓ વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને પ્રથમ મરાઠી કથા વડોદરામાં કરીને કથાકાર્યનો આરંભ કર્યો હતો. જિંદગીભર ભાગવત કથાનો ધોધ વહેવડાવનાર ડોંગરેજીને તેમની કથાભૂમિ માલસર ખાતે જળસમાધિ આપવામાં આવી.

તેમની સ્મૃતિમાં માલસરમાં લાલગોપાલ સેવા ટ્રસ્ટ દ્વારા ડોંગરેજી સેવાભક્તિ આશ્રમની સ્થાપના કરાઇ છે. કથાકાર તરીકે તેમની અનેક વિશિષ્ટતાઓ હતી. તેઓ કદી કોઇના ગુરુ થતા નહીં અને ઇશ્વરને ગુરુ બનાવવાનું કહેતા. યજમાનની ખોટી પ્રશંસા ન કરતા અને પોતાની પણ પ્રશંસા-પ્રસિદ્ધિ ન થાય તેની સતત કાળજી રાખતા. તેમણે પોતે કોઇ સંસ્થા સ્થાપી નહીં. નિસ્પૃહ, અનાસક્ત અને સાદગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું. સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા. સદાય કથાભ્રમણ કર્યું. કોઇ કાયમી સરનામું રાખ્યું નહીં. ન કશું માગ્યું, ન લીધું. દિવસમાં એકવાર ભોજન લેતા હતા.

પુણ્યસ્મૃતિ, મણિલાલ પટેલ
સૌજન્ય-ઋણ સ્વીકાર-
દિવ્ય ભાસ્કર માં થી સાભાર 
..............................................................................................
.............................................................................................‘કેવળ જાણેલું કામમાં નહીં આવે પણ જીવનમાં ઉતારેલું કામમાં આવશે. મંદિરમાં પરમાત્માનાં દર્શન કરી બહાર આવ્યા પછી દરેકમાં પરમાત્માનાં દર્શન કરો’- એવો અનેરો જીવનલક્ષી બોધનો ધોધ પોતાની ૧૧૦૦ જેટલી ભાગવત કથાઓ થકી વહેવડાવનાર લોકજીભે કળિયુગ શુકદેવજી તરીકે જાણીતા ડોંગરેજી મહારાજ ગુજરાતના અર્વાચીન ઋષિઓ-મુનિઓ કે સંતો પૈકીના એક હતા. તેમની કથાની વિશિષ્ટતા એ હતી કે તેમને માટે કથા નિર્ભેળ ભક્તિનું માઘ્યમ હતું. ગાયકવૃંદ કે સંગીતનાં સાધનોની કશી સજાવટ વિનાની તેમની કથામાં ભજન, ધૂન બધું જ જાતે બોલતા અને સામે બેઠેલો વિશાળ ભક્ત સમુદાય તે ઝીલતો અને કથામાં રમઝટ જામતી 
સૌજન્ય-ઋણ સ્વીકાર-
Divya Bhaskar 2009-11-04: 
................................................................................................
................................................................................................
નોધ-મહારાજશ્રી વિષે વધુ માહિતી નેટ પર મળતી નથી.આ માહિતી માં ઉમેરો કરવા વિનંતી......ઇમેલ --anilshukla1@gmail.com